ફોટોફ્રેમ
તે ભાવનગર રહેતી હતી અને હું અમદાવાદ. એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. બહુ મસ્તી કરી , ફોટા પડાવ્યા. મિત્રએ વોટસેપ પર ગ્રૂપ બનાવી ફોટા શેર કર્યા. ગ્રૂપમાં ફોટા અંગે અને લગ્નમાં કરેલી મજા-મસ્તી અંગે મેસેજથી વાર્તાલાપ થયો. તેણીના ફોટા મેં જોયા , એણે મારા જોયા હશે. ત્રણ દિવસ બાદ તેનો મેસેજ આવ્યો. તેણે પોતાની ઓળખાણ આપી. મેં મારો પરિચય આપ્યો. પછી અમે રોજ સમય મળે ચેટિંગ કરતાં. રોજ સવાર ગુડ મોર્નિંગ ના મેસેજ મોકલવાનો દોર ચાલુ થયો. ગમે એવી રસપ્રદ વાત કેમ ન હોય રાત્રે અગિયાર વાગ્યાથી વધારે મોડા સુધી તે વાત ન કરતી. અમે મિત્રો બન્યા. તહેવારો આવ્યા , પરીક્ષાઓ આવી અને બદલાઈ ઋતુઓ. આગળ વધતાં સમય સાથે અમારી મૈત્રી પણ વધતી ગઈ. અમે ખાસ મિત્રો બન્યા. મારી અને એની વચ્ચે બહુ તફાવત હતો. તે ઉત્તર કહે તો હું દક્ષિણ. તે પૂર્વ કહે તો હું પશ્ચિમ પણ જે મનમાં હોય તે સીધે સીધું કહી દેતા. કશું ગોંધી રાખતા નહીં. અમે મોટાભાગે એકબીજાના ઓપોઝિટ હતા. આવું છ-એક મહિના ચાલ્યું. દિવાળી જતી રહી , ઉત્તરાયણ જતી રહી અને આવ્યો વસંત. એક દિવસ તેણીએ મેસેજ કર્યો , તે અમદાવાદ આવી છે એમ.કોમ.ના પુસ્તકો લેવા. ...