વૃંદા- અ ગર્લ હુ ઈઝ મિસિંગ સિન્સ અ જનરેશન
સૌરાષ્ટ્રથી બસ્સો કિલોમીટર
દૂર “કોંકરીટ”ના જંગલો વચ્ચે એક શહેરી વસાહત હતી. ત્યાં એક રહસ્યમય કથા
ચાલી આવતી હતી. વૃંદા નામની કન્યા જમાનાથી ગુમ હતી. હું તેમના પતિ સાથે ઘરના ઉંબરે
ખુરશીમાં બેઠો હતો. આંગણામાં બાળકો રમી રહ્યા હતા. મેં મારા થેલામાંથી નોટ-પેન
નિકાળી. વૃંદાના પતિના હાથમાં તેમના લગ્નની તસવીર હતી. તસવીર જૂની-ઝાંખી પડી ગઈ
હતી.
“વૃંદા એક ખુશમિજાજ-હકારાત્મક
“સોચ” ધરાવતી છોકરી હતી. એક દિવસ અચાનક પોતાના પરિવાર અને વસ્તીને
નિરાશામાં મૂકી, કોઈપણ જાતના નિશાન છોડયા
વગર તે ગાયબ થઈ ગઈ.” વૃંદાના પતિએ મને કહ્યું. હું પૂછું શું થયું હતું? એ પહેલા તેમણે ઉમેર્યું:
“સ્ત્રીઓએ સદાય અમ પુરુષોને તરછોડયા જ છે.” ઢળતી સાંજે વિચારોમાં
ગુમ વૃંદાના પતિએ કહ્યું.
“એવું કેમ લાગે છે?” મેં પૂછ્યું. તેમણે બધુ જણાવાનું શરૂ
કર્યું:
“ના, હું કોઈ “ડેટિંગ એપ” કે “સોશ્યલ
મીડિયા”ની વાત નથી કરી રહ્યો જેમાં સ્ત્રીઓ “લેફ્ટ સ્વાઈપ” કરે અથવા “રિજેક્ટ”
કરે. જોકે એમાં પણ “રેશિયો” સરખો જ છે. “સોશ્યલ મીડિયા” પર “મેલ”ને
“અપ્રુવલ” મેળવવા માટે “હેન્ડસમનેસ” અને મગજની ચતુરાઈ બંને જોઈએ. જો
ખાલી “હેંડસમનેસ” હોય તો થોડા સમય બાદ સ્ત્રી ઓળખી જાય એટલે અપરિપક્વ-ડફોળ
સમજી છોડી દેવાની. જો ખાલી ચતુરાઈ હોય તો સ્ત્રીને રોકાવાના નિર્ણય સુધી પહોંચતાં
ઘણો સમય લાગી શકે છે કારણ કે ચતુરાઈ “હેન્ડસમનેસ”ની જેમ પહેલી નજરે દેખાય નહીં
ને. અલગ-અલગ સંજોગ-પરિસ્થિતી-વ્યવહારોમાં પુરુષનું મૂલ્યાંકન કરવામાં આવે. જો
બરાબર લાગે તો લગ્ન કરવાના. તમને શું લાગ્યું “ડેટિંગ” કરવાનું એમ?”
મેં કીધું:”હા, એવો જ પ્રશ્ન થયો મને.”
“ભાઈ, આ ભારત છે, અહીં “ડેટિંગ/કેઝ્યુયલ
રિલેશનશિપ” એવું બધુ રૂપિયાવાળા-રૂપાળા લોકો જ કરી શકે. બાકી, “ચિપ થ્રીલ” લોકો “લવ અફેર” કરીને જ મેળવે છે. “સોશ્યલ
મીડિયા” પર છોકરીની સ્વીકૃતિ મળવી મુશ્કેલ છે પણ અશક્ય નહીં.
પણ મારે વાત અન્યની નહીં
પણ મારી વૃંદાની કરવી છે. વૃંદાએ પહેલા પોતાના પિતાને તરછોડયા. જન્મથી મોટી થઈ, લગ્ન પછી પિતાને છોડયા...”
હું વચ્ચે બોલ્યો: “પરણ્યા પછી
મમ્મી-પપ્પા બન્નેને છોડયા કહેવાયને?”
“ના, સંપૂર્ણ રીતે
નહીં. મમ્મી તો રોજ ફોન કરી દીકરી સાથે “કનેક્ટેડ” રહેવાની પણ બિચારો બાપ
તો સવારે ઓફિસ જતો રહેશે ને.” તેમણે જણાવ્યું.
“બરાબર. આગળ?” મારી પેન ચાલતી રહી,
તેમણે જણાવવાનું યથાવત રાખ્યું.
“એટલે પહેલા તેણે પપ્પાને છોડયા.
લગ્ન બાદ જે "બેસ્ટ હબી ઈન ધ વર્લ્ડ" લાગતો હતો, એને થોડા વર્ષો બાદ બાળકો માટે છોડી દીધો. હવે, તમે એમ કહેશો બાળકો તો બન્નેના કહેવાય ને? (મેં
માથું હકાર્યું) હા, પણ બાળકો સાથે
વધુ સમય કોણે વિતાવ્યો? મમ્મીએ. તે “ઓલરેડી”
નવ મહિના “પ્લસ પોઈન્ટ”માં ચાલી રહી છે. બિચારા પતિનું શું છે એ તો સવારે કામે જતો રહેવાનોને.
ત્રીશ વર્ષ પછી માણસને
જોઈએ શું? જીવનસાથીનો સંગાથ. પણ પતિ તેના કામની પળોજણમાં
અને પત્ની તેના કામની પળોજણમાં પરોવાય છે. સાથે રહીને એક જ ઘરમાં એકલું લાગવા
લાગે. શરીરને સ્પર્શની જરૂર હતી, મનને મન ખોલવાની જરૂર હતી
પણ રોજીંદી દિનચર્યામાં ઔપચારિકતા-વ્યવહારો સંભાળતા રહી ગયા. અમ પુરુષો તો એક ઉંમર
બાદ કામથી છૂટા થઈ જઈએ. ઘરનું ગુજરાન સંતાનો સંભાળી લેતા. પત્નીનો સાથ સાંભરે.
તેની સાથે સમય વિતાવવાનું મન થતું પણ સ્ત્રી સતત “ઓન ડ્યૂટી” રહે. પતિનું
ધ્યાન રાખતી, પુત્ર-વહૂનું ધ્યાન રાખતી, તેમના માટે જમવાનું બનાવતી, બાળકોના બાળકો પાછળ
લાગેલી રહેતી. પૌત્ર-પૌત્રીને સમય આપે, એમનું ભણતર, એમના “કરિયર” પર ધ્યાન આપવા લાગે. એમાં સમય વિતતો જાય છે. પેલો બિચારો પતિ વીસ વર્ષથી રાહ જોઈ ઊભો છે ક્યારે તેની પત્નીનો બધો સમય તેને
મળશે? લગ્ન કરતી વેળાએ
જે કસમ લીધી હતી મરતા દમ સુધી પતિની સાથે રઈસ, એ જ પતિનો દમ પહેલા નીકળી જાય છે પણ
પત્નીનો બધો સમય મળતો નથી.
લગ્ન બાદ દીકરો નવી મમ્મી
લાવે(નવી મમ્મી એટલે પત્ની) સમાજે જે રીતે અમ પુરુષોને ઉછેર્યા છે, અમે સૌ “મમ્મીઘેલા”
થઇ ગયા છે. નાનપણમાં મમ્મી બધુ કરી આપતા, ખવડાવતા,
નવડાવતા,
ટિફિન ભરી આપતા,
અમારું એક ના
સાંભળતા અને પ્રેમથી રાખતા. “સેમ” વસ્તુ પત્ની કરે. જે કામ પુરુષ મમ્મી પાસે કરાવતો હવે, પત્ની પાસે કરાવે અને એને જ પોતાની નવી મમ્મી બનાવતો. નવી
મમ્મી સાથે “અજસ્ટ” થતા ટાઈમ લાગે, જુની મમ્મી
સાંભરે, વહાલ ઊભરે મમ્મી
સાથે લાડ કરવાનું મન થાય ત્યારે તે મમ્મી/સ્ત્રી પણ અમ
પુરુષોને તરછોડી ધરતી પરથી ચાલી જાય. બાપડો પુરુષ એ
માના પાલવની છાયા શોધતો બીજા વીસ વર્ષ નિકાળી દે પણ તેની "નવી મમ્મી"
તેના બાળકોને ભાવી મમ્મીના આશ્રિત બનાવવાની “પ્રોસેસ”માં વ્યસ્ત લાગેલી રહે છે. પહેલા, પિતા, પછી પતિ, પછી પુત્ર. સ્ત્રીઓએ સદા અમ પુરૂષોને
તરછોડયા છે.” તેઓ બોલતા-બોલતા થંભયા. હું મારી નોટમાં લખતો રહ્યો. તેમણે આગળ જણાવ્યુ:
“સંતાનો અઢાર વર્ષ પછી
પોતાનું જીવન સંભાળી શક્યા હોત. ખાવાનું બનાવતા, કપડાં ધોતા/ઇસ્ત્રી કરતાં શીખી ગયા હોત. વીસ-એકવીસ વર્ષે જાતે પૈસા કમાતા
થઈ જાય છે. કરિયર ઘડવાના પંથે લાગી જાય છે તો ઘરકામમાં સાવ મીંડું કેમ? વિદેશમાં ૧૮ વર્ષ પૂરા થતાં સંતાનને આઝાદીથી જીવન જીવવા મળી જાય છે.
દીકરો-દીકરી પોતાની જવાબદારી માથે લઈ પોતાનું અલગ ઠેકાણું શોધી મનગમતા
કાર્યક્ષેત્રના પંથે લાગી જાય છે. ભારતીયો કેમ આ ચલણ નથી અપનાવતા? હવે, “મોડર્ન” ઘરોમાં પત્ની નોકરી કરતી થઈ
છે. તે પણ સાસુમા ઘરનું કામ સંભાળતા હોય અથવા નોકર રાખ્યા હોય ત્યારે.
વીસ-બાવીસ વર્ષ સુધી સંતાનોને
ઉછેર્યા પછી તો મા-બાપે એમને આશ્રિત ના રાખવા જોઈએને? પણ સંતાનો મા-બાપનું “મ્યુચ્યલ ફંડ”
છે. જે વૃદ્ધાવસ્થામાં કામ લાગવાનું. એવું વિચારી સંસ્કૃતિ-સમૂહ કુટુંબની આડ પાછળ
સંતાનોને પકડી રાખે છે. પુરુષને સ્ત્રીના આશ્રિત બનાવી દે છે. મમ્મી જે બધુ કરી આપતા
તે હવે, તેની પત્ની કરી આપવાની. એના સંતાનોને એની પત્ની કરી
આપશે. સ્ત્રી(મા) પુરુષ(પુત્ર)ને તેના પર નિર્ભર બનાવ્યા બાદ છોડી દે છે અને પુરુષ(પુત્ર)
પછી અન્ય સ્ત્રી(તેની પત્ની)ના નિર્ભર થઈ જાય છે. આમાં ના તો પિતા આત્મનિર્ભર થઈ
શકે છે, ના પતિ કે ના પુત્ર. આશ્રિત બનીને જીવતા રહેવાનું
જીવનચક્ર ફર્યા કરે છે અને દરેક સ્ત્રી પુરુષને છોડતી જાય છે.” ઢળતી સાંજે ઉંબરે
બેઠેલા પતિ વૃંદાને આંગણામાં તેના પૌત્રને રમાડતા જોઈ રહ્યા અને અસ્પષ્ટ ભાવે કંઈક
શબ્દો હળવેથી મમળાવ્યા અને તેમની આંખો ઢળી
જાય છે. મને ના સંભળાયું તેઓ શું
બોલ્યા હતા.
ઘણા સમય સુધી હું વિચારતો રહ્યો, મગજ પર જોર આપી યાદ કરવા પ્રયત્ન કરતો રહ્યો શું હતા વૃંદાના પતિના અંતિમ શબ્દો? કેમેય કરીને યાદ ન હતું આવતું, તેમણે બોલતાં જતાં હતા અને હું સાથે-સાથે લખતો હતો. અંતિમ શબ્દો સાવ ધીમે તેઓ બોલ્યા હતા. મારૂ લખવામાં ધ્યાન હતું, સાફ રીતે મને ના સંભળાયું. મેં એમના ચહેરા સામે જોયું હતું. તેમના હોઠ વાંચવા મેં પ્રયત્ન કર્યો હતો. કંઈક મને સમજાયું હતું પણ હું સાથે-સાથે લખી પણ રહ્યો હતો. બધુ એટલું ઝડપથી થઈ ગયું કે અર્થઘટન કરવું મારા માટે મુશ્કેલ બની ગયું. વૃંદાના પરિવારને અને સગાવહાલાં સૌને જાણવું હતું શું હતા તેમના અંતિમ શબ્દો? પણ ચોક્કસપણે યાદ આવ્યા વગર હું કેવી રીતે કહું? જો મારાથી કંઈક બીજું બોલાઈ જાય તો? વૃંદાના પરિવારની માફીસહ હું કઈ તેમને જણાવી ના શક્યો કારણ હું ખોટો હોવ તો તેનો અપરાધભાવ મને ચેન ના પડવા દે. જ્યારે વૃંદાએ ઘણો આગ્રહ કરી મને જણાવા કહ્યું, ભલે જે થોડું કઈ યાદ આવે અથવા ખોટું હોય પણ મહેરબાની કરી કંઈક જણાવો, મેં કહ્યું હું પચાસ ટકા કદાચ ખોટો હોય શકું પણ મને તમારા પતિના મુખેથી જે સંભળાયું તે કદાચ હતું: “મારી પત્નીનો બધો સમય મને ક્યારે મળશે?” બાદ અમે બંને મૂક બની ચિંતનમાં પરોવાયા.
-કીર્તિદેવ

Comments
Post a Comment